Leviticus 17

1યહોવાહે મૂસાને કહ્યું, 2“તું હારુનને, તેના પુત્રોને તેમ જ બધા ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે, યહોવાહે જે આજ્ઞા આપી છે તે તેઓને કહે, 3‘જો કોઈ ઇઝરાયલી છાવણીમાં અથવા છાવણીની બહાર બળદ, હલવાન કે બકરાંને કાપે, 4પરંતુ યહોવાહના મંડપની સામે યહોવાહને સારુ અર્પણ ચઢાવવા માટે મુલાકાતમંડપના દ્વારની પાસે તેને ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે; તેણે તો રક્ત વહેવડાવ્યું છે; તે પુરુષ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.

5આ આજ્ઞા એ ઉદ્દેશથી આપવામાં આવી છે કે જેથી ઇઝરાયલી લોકો એક ખુલ્લાં મેદાનમાં બલિદાન કરવાના બદલે તે યહોવાહને માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે અને તે વડે તેઓ યહોવાહને માટે શાંત્યર્પણો કરે. 6યાજકે અર્પણનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની વેદી પર છાંટવું. તેણે ચરબીનું દહન કરવું કેમ કે તે યહોવાહને માટે સુવાસ ઉત્પન્ન કરે છે.

7લોકો વિદેશી દુષ્ટાત્માને તેઓના અર્પણ ચઢાવવાની ઇચ્છા રાખે નહિ, કેમ કે આ રીતે તેઓ ગણિકાઓ માફક વર્ત્યા છે. ઇઝરાયલીઓ અને તેઓના વંશજો માટે આ હંમેશનો વિધિ થાય.’

8તારે તેઓને કહેવું કે, જો કોઈ ઇઝરાયલી અથવા તેઓની વચ્ચે રહેતો પરદેશી દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવે, 9અને યહોવા સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ના લાવે તો તે માણસ તેના લોકો મધ્યેથી અલગ કરાય.

10અને કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલીઓ વચ્ચે વસતો કોઈપણ પરદેશી માણસ જો રક્ત ખાય તો હું તે માણસની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી અલગ કરીશ. 11કારણ કે શરીરનો જીવ રક્તમાં છે. અને વેદી પર તે રક્ત તમારા માટે પ્રાયશ્ચિત કરે તે માટે મેં તમને આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે.

12તે માટે મેં ઇઝરાયલના લોકોને કહ્યું કે, તમારામાંનો કોઈપણ માણસ તેમ જ તમારી મધ્યે વસતો કોઈપણ પરદેશી રક્ત ના ખાય. 13અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી.

14કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એવું જાણવું કે રક્તમાં તેઓનો જીવ છે, તેથી જ મેં ઇઝરાયલના લોકોને કહ્યું છે કે, “તમારે કોઈપણ દેહધારીનું રક્ત પીવું નહિ, કેમ કે સર્વ દેહધારીઓનો જીવ તેઓના રક્તમાં છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય.”

15જે કોઈ માણસ કે પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલુ અથવા જંગલી પશુઓએ ફાડી નાખેલું પશુ ખાય તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ત્યારપછી તે શુદ્ધ ગણાય. પરંતુ જો તે પોતાના વસ્ત્રો ન ધુએ કે સ્નાન ન કરે, તો પછી તેનો દોષ તેને માથે.’”

16

Copyright information for GujULB